અતલ નિરાશા
atal nirasha
બલવંતરાય ઠાકોર
Balvantray Thakor
બલવંતરાય ઠાકોર
Balvantray Thakor
(પૃથ્વી)
પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી
શિખા અહહ, દાખવે રચિ રહે જ ઓળા બધે!
ભરું છ ડગ જેમતેમ, પથ જોઉં ના, તો પછી
નિશાન ધ્રુવનો મહાકિરણ ક્યાંથિ હીણાયલી
નકામિ પડતી જ આ દૃગ ઝિલી પ્રમાણી શકે!
દિસે પથ નહીં, નહીં દિક નહીં દ્યુતિ, ધ્રુવ નહીં
ભરું દમ ન છૂટકે : દમ દમે વધન્તી લહું
વૃથા જિવનભારની વિષમ ભારવત્તા, પ્રભો!
નિચે ઉતરવું નિચે હજિ હજી નિચે ક્યાં સુધી?
હશે નહિ હશે જ શું તળિયું ઘોર આ ગર્ત્તને?
તમે તમતમન્ત આ રજનિને ન આરો યદી,
હજીય પટ વેદના-રસતણા કહો કેટલા
ચ્હડી, હૃદયને ફરીફરિ રસી, જમાવી શકે
અમિશ્ર ઘનઘોર નિશ્ચલ અભેદ્ય નિર્વેદતા!
સ્રોત
- પુસ્તક : ભણકાર - બીજી ધારા (પૃષ્ઠ ક્રમાંક 73)
- સર્જક : બલવંતરાય ઠાકોર
- પ્રકાશક : બલવંતરાય ઠાકોર
- વર્ષ : 1928
