શોધી રહું...
Shodhi Rahu...
ભાનુપ્રસાદ પંડ્યા
Bhanuprasad Pandya
ભાનુપ્રસાદ પંડ્યા
Bhanuprasad Pandya
એક સમી સાંજે
ખંખેરી સૌ વળગેલું કામ
બેસું જઈ સીમાડે જ્યાં
નિજ અંકે ધરી લિયે
મને ત્યાં વિરામ.
સમીરની એકાદ બે લહર
હળુ હળુ આવી મારા પસવારે કેશ,
શિરપરે કુસુમ શો વેરી રહી કુંજારવ
કુંજડીની હાર જાય
ક્યાંય કોઈ અણજાણ્યે દેશ.
ધૂળ જાણે આંગળીઓ લંબાવીને
કરી રહે ગલીપચી તેમ
મારા ચરણપે ચઢી ફરે પિપીલિકા
રૂંવાટીમાં અટવાઈ ભૂલી પડી હોય તેમ
ઊતરતી જાય – શકે કરતી વિચાર :
હજી વાર – આ માટીમહીં
હમણાં ન ફરાય-ચરાય!
કરુણાથી ઢળ્યાં કોક નયનની જેવી
અચાનક આથમણી કોર
ઊગી રહી બીજ... ને સમીપ...
ટોળા થકી છૂટું પડ્યું લંગડાતું લવારું
બેંકારતું બેંકારતું જાય...
હવે ના રહેવાય
ઊભો થઈ સ્કંધે એને ધરી રહું
ધસ્યે જતાં ટોળાને ત્વરિત રહું અનુસરી,
જતો રહું વીતેલી સૌ સદીઓની આરપાર
ભિખ્ખુ સમો થૈ ક્યાંક
શોધી રહું બિંબિસાર....?
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
