ubhla re gori rangmolman re - Lokgeeto | RekhtaGujarati

ઉભલા રે ગોરી રંગમોલમાં રે

ubhla re gori rangmolman re

ઉભલા રે ગોરી રંગમોલમાં રે

ઉભલા રે ગોરી રંગમોલમાં રે, આંગણે ઘોડા હણહણે રે;

માગો માગો મોરી ગોરી, પાછલે પરોડિયે મારે ચાલવું રે.

લાવજો રે સાયબા શીંગારૂ ઘોડા રે, લાવજો રે વણશિંગારો ડોળિયો રે;

લાવજો રે સાયબા પાયારી પાલખી રે, લાવજો વણપાયાનો ઢોલિયો રે.

લાવજો રે સાયબા ચાલંતાં ચીર રે, લાવજો મુખ બોલંતી કાંસકી રે;

લાવજો રે સાયબા કીડીની જીભ રે, લાવજો રે મકોડા દાંતનો ચુડલો રે.

લાવજો રે સાયબા શેરડીનો પોંખ રે, લાવજો રે જાર કેરાં ઝીંડવાં રે;

લાવજો રે સાયબા શોકયુનાં સાલ, લાવજો રે આગમજાયા છોકરાં રે.

જડે રે ગોરી મોરી, શીંગારૂં ઘોડા, કે જડે વણ શિંગારૂં ડોળિયો રે;

જડે રે ગોરી મોરી પાયારી પાલખી, કે જડે વણ પાયાનો ઢોલિયો રે.

જડે રે ગોરી મોરી, ચાલતાં ચીર, કે જડે મુખી બોલંતી કાંસકી રે;

જડે રે ગોરી મોરી, કીડીની જીભ, કે જડે મકોડા દાંતનો ચુડલો રે.

જડે રે ગોરી મોરી, શેરડીનો પોંખ, કે જડે જાર કેરાં ઝીંડવાં રે;

જડશે જડશે રે ગોરી, શોક્યુંના સાલ, કે જડે આગમજાયાં છોકરાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 188)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966