toy nahin awun tamare gher - Lokgeeto | RekhtaGujarati

તોય નહીં આવું તમારે ઘેર

toy nahin awun tamare gher

તોય નહીં આવું તમારે ઘેર

સોના ઇંઢોણી, રૂપલા બેડલાની હેલ્ય, પાણીડાં ગ્યાં’તા સરવરપાળ,

સામા મળ્યા છે સાધુ બેચાર, ચાલો સાધુજી આપણા ઘેર,

બેડું મેલ્યું સરવરપળ, ઇંઢોણી વળગાડી આંબાડાળ,

લ્યો લ્યો સાધુડા નો કરશો ઢીલ, સાસુ આવી તો દેશે ગાળ,

બઈ રે પાડોશણ બેન કરું, સાસુ આવે તો વાત નો કર,

તને આપું મારા હૈડાનો હાર, તને આપું મારા કાનની ઝાલ્ય.

‘હૈયાનો હાર તારા હૈડે સોહાય, કાનાની ઝાલ્ય મારે અતિ ઘણી,’

સાસુજી આવ્યાં ખડકી મહીં, દોડી પાડોશણ વાત કરવા ગઈ.

સરવણ સરવણ, તું મારો પુત્ર, ધરમઘેલીને કાઢી રે મૂક,

ભાઈ રે ગોવાળી, તું મારો વીર, દેખાડ્ય વન કેરી વાટલડી,

ડાબો રે ડુંગર પડતો મેલ્ય, જમણા ડુંગર કેરી વાટલડી,

નાના રૂખડદેવ ભૂખ્યા રે થાય, મોટા રૂખડદેવ તરસ્યા થાય,

ઠાલાં સરોવર છલકી જાય, વાંઝિયા આંબે ફળ ઘણાં થાય,

નાના રૂખડદેવ ફળ રે ખાય, મોટા રૂખડદેવ પાણી પીએ,

સાસુ રે જુએ પારણા મહીં, પુત્ર વિના પારણાં ગમે નહીં,

સાસુજી જુએ ઓરડા મહીં, વહુ વિના ઓરડા ગમે નહીં,

સરવણ સરવણ, તું મારો પુત્ર, ધરમઘેલડીને તેડી રે લાવ્ય,

સાસુજી ઉઠી માતાજી થાય, તોય નહીં આવું તમારે ઘેર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966