kudadn te udyun majham raat - Lokgeeto | RekhtaGujarati

કૂદડું તે ઊડ્યું માઝમ રાત

kudadn te udyun majham raat

કૂદડું તે ઊડ્યું માઝમ રાત

કૂદડું તે ઊડ્યું માઝમ રાત,

....શહેર વસ્યું રે લોલ.

ઊઠ દાસી દીવડિયા અજવાળ,

કાગળિયા આવ્યા તે માઝમરાત,

મહારાજના રે લોલ.

બાળ્યાં બાળ્યાં તેર ઘાણીનાં તેલ,

સવારે કાગળ ઊકલે રે લોલ.

ચાકરીએ મારા સસરાજીને મેલો જો

અલબેલો નહીં જાયે ચાકરી રે લોલ.

સસરા ઘેર સારું, સુમીઠા બોલાં,

મોહોલોમાં બોલ બોલશે રે લોલ.

ચાકરીએ મારા જેઠજીને મેલો જો

અલબેલો નહીં જાયે ચાકરી રે લોલ.

જેઠ કહે જેઠાણી ઝઘડાળી,

મોહોલોમાં ઝઘડા માંડશે રે લોલ.

ચાકરીએ મારા દિયેરજીને મેલો જો

અલબેલો નહીં જાયે ચાકરી રે લોલ.

દિયેર ઘેર દેરાણી નાનું બાળ જો

મોહોલોમાં એમને બ્હીકો લાગે રે લોલ.

ચાલ્યો ચાલ્યો ઘોડલિયે અસવાર જો

હૈડાનાં આંસુ બહુ વહ્યાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 229)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957