panch rupiyanun kapaDun re - Lokgeeto | RekhtaGujarati

પાંચ રૂપિયાનું કાપડું રે

panch rupiyanun kapaDun re

પાંચ રૂપિયાનું કાપડું રે

પાંચ રૂપિયાનું કાપડું રે લીધું.

પે’રીને હાલી પાણી,

પાણી ભરીને ઉંબરે આવી,

ત્યારે ઉંબરા વચ્ચે બેડું ટાળી,

આંબળો મૂકી દેને મડકાળી,

ઉંબળા ઝુંબળાની ઘરવાળી.

સાસરો બચ્ચારો દળણાં દળે ને,

જેઠ ભરે છે પાણી,

નાનો દિયરિયો વાછીદા વાળે,

ને નણદલ કરે છે લાણી,

આંબળો મૂકી દેને મડકાળી,

ઉંબળા ઝુંબળાની ઘરવાળી,

પારકા મૂવે ત્યારે પીતાંબર પહેરતી

ને નાકમાં નાખતી વાળી,

ઘરનાં મરે ત્યારે રોતા આવડે,

મેલી દે મૂઠિયું વાળી,

આંબળો મૂકી દે ને મડકાળી,

ઉંબળા ઝુંબળાની ઘરવાળી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963