sathe ne sahiyro paniDan sanchri re lol - Lokgeeto | RekhtaGujarati

સાથે ને સહિયરો પાણીડાં સાંચરી રે લોલ

sathe ne sahiyro paniDan sanchri re lol

સાથે ને સહિયરો પાણીડાં સાંચરી રે લોલ

સાથે ને સહિયરો પાણીડાં સાંચરી રે લોલ.

પહેલું તે બેઢું બહેની ધમકે લાવી રે લોલ.

બીજીને બેઢે તે બહેનને વારો લાગી રે લોલ.

ત્રીજીને બેઢે તે બહેની રમે શોગઠે રે લોલ.

ચોથેને બેઢે વીરો તો ઉપરવાડે રે લોલ.

દાદાના વાડામાં વખનાં ઝાડવાં રે લોલ.

અંધારી રાતે રે વખડાં ઝૂડિયાં રે લોલ.

અજવાળી રાતે રે વખડાં વેણિયાં રે લોલ.

સોનાને સાંબેલે વખડાં ઘૂંટિયાં રે લોલ.

વીરાને રૂમાલે વખડાં ગાળિયાં રે લોલ.

પહેલી તે પીયાલી બહેની પી ગયાં રે લોલ.

બીજી તે પીયાલીએ બહેનને વારો લાગી રે લોલ.

ત્રીજી તે પીયાલીએ બહેનીને લહેરો આવી રે લોલ.

ચોથી તે પીયાલીએ બહેની દેવ પામ્યાં રે લોલ.

લાકડાં ભાગીને પંચ દવનાં રે લોલ.

સ્વામીને તેડે કે બહેનીની ચેહો બળી રે લોલ.

ધૂમાડા ઊડે અબીલ ગુલાલના રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 225)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957