એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે
ek aavii stej vachche miinbatti gothve chhe

એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે
ek aavii stej vachche miinbatti gothve chhe
નયન હ. દેસાઈ
Nayan H. Desai

એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે.
એક(ધીમેથી) ‘અહીં એકાન્ત જાણે ઘૂઘવે છે!
ને હવા કણસ્યા કરે છે ફેફસામાં! (આંખ મીંચી)
હા, કહે છે : આ બધું તો યુગયુગોથી સંભવે છે!’
બે (અચાનક આવતાં) : ‘આ લોહી જેવું શું બળે છે?
બંધ કમરાને (હસે છે) લ્યો, ધુમાડો ભોગવે છે!’
એક (મુઠ્ઠી વાળતાં) : ‘રાહ જોવાની છે કોની?
(સ્હેજ ચાલી) છાપ પગલાંની સમય ક્યાં સાચવે છે?’
બે(અચાનક ભીંત પાસે જઈ) : ‘મને તું છોડ, છોડી દે!
કાલના કરમાયેલાં સ્પર્શો હજી તો ટેરવે છે!
હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?
સાંભળે છે? ‘(એક પાસે જઈ) વિહંગો કલરવે છે!’
એક (બોલે છે સ્વગત) : ‘આકાશમાંના હે પિતા!’
બે તરફ ધારીને જુએ મીણબત્તી હોલવે છે...



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ