bepagaa chhe maatra padchaayaa mane maalum chhe - Ghazals | RekhtaGujarati

બેપગા છે માત્ર પડછાયા મને માલૂમ છે

bepagaa chhe maatra padchaayaa mane maalum chhe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
બેપગા છે માત્ર પડછાયા મને માલૂમ છે
અમૃત ઘાયલ

બેપગા છે માત્ર પડછાયા મને માલૂમ છે,

નથી વહારે કદી ધાયા મને માલૂમ છે.

વાંઝણી બદલીની છે છાયા મને માલૂમ છે,

તારી દુનિયા એટલે માયા મને માલૂમ છે.

એક વેળા શું ઘણી વેળા દઝાડ્યો છે મને,

આગ છે હર ફૂલની કાયા મને માલૂમ છે.

બાજુવાળાનેય મહેકી પજવે છે બેસબબ,

ઉપદ્રવી છે ઈત્રના ફાયા મને માલૂમ છે

હયાતીની હવેલી છે ઘડી કે બે ઘડી,

ડગમગે છે હસ્તીના પાયા મને માલૂમ છે.

ભીડ ભાળી ધક્કામૂક્કી તેઓ કરવાના અચૂક,

છે નગરના લોક રઘવાયા મને માલૂમ છે.

મૂળ વતની આમ આપસમાં કદી ના બાખડે,

બાખડે છે છે વસવાયા મને માલૂમ છે.

છાશવારે ફૂંકી મારે છે જે નગરોનાં નગર,

બધા કહેવાય છે ડાહ્યા મને માલૂમ છે.

દૂરથી દેખાય છે ચોખ્ખાચણક હાથ પણ,

લોહીથી છે છેક ખરડાયા મને માલૂમ છે.

એટલે તો દૂરથી એને કરું છું હું સલામ,

મૌલવી પણ છે ‘મહામાયા’ મને માલૂમ છે.

ખોડવા’તા મારે ‘ઘાયલ’ મારી રીતે બધા,

ક્યાં હજી શબ્દો છે ખોડાયા મને માલૂમ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૧ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992