raakh cholii je masaanii thaii gyaa - Ghazals | RekhtaGujarati

રાખ ચોળી જે મસાણી થઈ ગયા

raakh cholii je masaanii thaii gyaa

રાજ લખતરવી રાજ લખતરવી
રાખ ચોળી જે મસાણી થઈ ગયા
રાજ લખતરવી

રાખ ચોળી જે મસાણી થઈ ગયા,

એમના જીવન ઉજાણી થઈ ગયા.

એક એવી તો હકીકત કઈ બની?

લાખ શમણા ધૂળધાણી થઈ ગયા.

જોઈને સૌંદર્ય મારી પ્યાસનું,

ઝાંઝવા પણ પાણી પાણી થઈ ગયા.

કીંમતી બે-ચાર રત્નો યાદના,

જિંદગી ભરની કમાણી થઈ ગયા.

જે કદી દિવસે મહેંકી ના શક્યા,

ફૂલ સૌ રાતરાણી થઈ ગયા.

અવસરો હમણા ગયેલા પ્રેમના,

જોતજોતામાં કહાણી થઈ ગયા.

'રાજ' મારા શબ્દને બસ બોલવા,

કેટલાયે મૌન વાણી થઈ ગયા.

સ્રોત

  • પુસ્તક : લાજવાબ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : ‘રાજ’ લખતરવી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2000