Khushi Rakho - Ghazals | RekhtaGujarati

ખુશી રાખો

Khushi Rakho

અશ્ક માણાવદરી અશ્ક માણાવદરી
ખુશી રાખો
અશ્ક માણાવદરી

તમારાં દુઃખ મને આપો, તમે મારી ખુશી રાખો

તમારો મિત્ર છું, વાત એટલી પણ શું નહીં રાખો!

કહો છો કે, સહનશક્તિ તમારી કેળવી રાખો

હવે હું દુઃખની લિજ્જત માણું એવો પણ નહીં રાખો?

તમારી હસતી-વસતી જિંદગી તમને મુબારક હો

ફકત, જિંદગીનો મારા માટે એક દી રાખો

ફુરસદની પળો વિતાવવા કામ આવશે તમને

અમારી યાદ દિલના એક ખૂણે સંઘરી રાખો

વચનના ભંગનો આરોપ ના આવે તમારા પર

પ્રથમ, ના આવવાનું કોઈ કારણ તો ઘડી રાખો

સમર્પણભાવ લૈને હું તમારી પાસે આવ્યો છું

તમારાથી કશું માંગું નહીં ખાતરી રાખો

કદી મતલબ પડે તો 'અશ્ક' પાસે ચાલ્યા જાજો

તમારી ડાયરીમાં એનું ઠેકાણું લખી રાખો

સ્રોત

  • પુસ્તક : વિદેશી ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2000