એક એવી સ્પર્શી ગઈ લ્હેરી મને
Ek Evi Sparshi gai Lheri Mane
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
એક એવી સ્પર્શી ગઈ લ્હેરી મને
જે કરી ગઈ સાવ સોનેરી મને
કૈંક લોકો જાય મારી આરપાર
એક જૂની વીંધી ગઈ શેરી મને
સાવ હળવો થઈ ગયો છું વસ્ત્ર શો
તું ફરી શકશે હવે પ્હેરી મને
મ્હેક જેવો થઈ જઉં તો ના નહીં
ફૂલના રંગો ઊભા ઘેરી મને
શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
લોક સહુ માને છે ગંજેરી મને
સ્રોત
- પુસ્તક : કવિતા - જૂન, 1977 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
