chakli - Ghazals | RekhtaGujarati

કૈંક તો સમજાય એવું બોલ ચકલી,

મસ્ત રહેવાનાં રહસ્યો ખોલ ચકલી.

ઘર બન્યું ત્યારે સમજાયું મને કે,

છે તણખલાંના અમૂલા મોલ, ચકલી.

ઊડતી, ગાતી ને ચણતી મોજથી તું,

જિંદગી મારી છે લોલંલોલ, ચકલી.

વ્હેંચતી આનંદ તું, ચીં ચીં કરીને,

અમારા શ્વાસ બોદા ઢોલ ચકલી.

ચણ બની વેરાઉં છું હું આંગણામાં,

આવજે ચણવા, લીલોછમ મોલ ચકલી.

સ્રોત

  • પુસ્તક : ક્ષણોનાં પ્રતિબિંબ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : મયંક ઓઝા
  • પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
  • વર્ષ : 2025