shabadna sodagarne - Geet | RekhtaGujarati

શબદના સોદાગરને

shabadna sodagarne

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
શબદના સોદાગરને
ઝવેરચંદ મેઘાણી

[‘કર મન ભજનનો વેપાર’ -એ ભજન-ઢાળમાં]

શબદના સોદાગરોની જાય ચલી વણજાર જી

ગગન-કેડા ધૂંધળા એની રજ તણે અંબાડ

ચલ મન શબદને વેપાર;

જી-જી શબદના વેપાર.

કોઈક લાદે પોઠિયા

કોઈ ગધે ભરતા ભાર જી;

કોઈક જોડે ગાડાંગાડી

ભીડાભીડ કતાર

જી-જી શબદના વેપાર.

નહિ જડે તુંને પોઠિયા

નવ ગધે ભર તારો ભાર જી;

આપણ કાંધે લઈ ગઠડિયાં

ઊપડ ધણીને દ્વાર

જી-જી શબદના વેપાર.

તારી જણશ વીરા જુદિયું

એના જુદા જાણણહાર જી;

જૂઠાં રે નામ એનાં પાડીશ નૈ

ભલે નવ જડે લેનાર

જી-જી શબદના વેપાર.

અતરિયો રે વીરા, એકલપંથી

બેસે હાટ બજાર જી;

એક પૂંભડે અવનિભર

એની ફોરમના છંટકાર

જી-જી શબદના વેપાર.

અતરિયા હો તારે કારણે

આજ અબજ ફૂલ બફાય જી;

અબજ માનવ-પૂંખડાં

ધગ ધગ જળે ઓરાય

જી-જી શબદના વેપાર,

એક શબદને પૂંભડે

જેની ખપે જીવન-વરાળ જી;

એવાં અબજને તોળવા

કૈંક બેટા હાટ બકાલ

જી-જી શબદના વેપાર.

ઊછી ઉધારા અરક લઈ

માંહી ઘોળે તેલ ધુપેલ જી;

એવા સુરૈયાની કૂડી ચાલાકી,

નારી-રંજણ ખેલ

જી-જી શબદના વેપાર.

કોઈ ચાંદરણાં માગશે.

કોઈ માગે રૂમઝૂમ રાત જી;

કોઈ કહે બીજી નવ ખપે

વિણ ભૂખ્યાં જનની વાત

જી-જી શબદના વેપાર.

હૈયા કેરી ધારણે

તારે ઉર ઉઠે જે સૂર જી;

સૂરોના ઈમાની ભાઈ!

ગાયા કર ચકચૂર

જી-જી શબદના વેપાર.

નહિ ચાંદો નહિ ચાંદની

નહિ નીલાં સાયર-નીર જી;

શબદને સરજે નહિ

ઘનમેહુલા સમીર

જી-જી શબદના વેપાર.

આતમની એરણ પરે

જે દી અનુભવ પછડાય જી;

તે દી શબદ-તણખા ઝરે

રગ રગ કડાકા થાય

જી-જી શબદના વેપાર.

ખાંપણમાંય તારે ખતા પડશે

તન હોશે તારાં ખાખ જી;

તોય શબદના દીવડા

હોશે પંથભૂલ્યાંની આંખ

જી-જી શબદના વેપાર.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997