ashaDhi sanj - Geet | RekhtaGujarati

આષાઢી સાંજ

ashaDhi sanj

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી

આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે, મેઘાડંબર ગાજે! -આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે

ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. -આષાઢી.

ગરવા ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે, સૂતી ગોપી જાગે. -આષાઢી.

વીરાની વાડીઓમાં અમૃત રેલે,

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. -આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. -આષાઢી.

આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે મેઘાડંબર ગાજે! -આષાઢી.

રસપ્રદ તથ્યો

[‘અંધારી રાતના ડુંગર ડોલે'—એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત સ્થળ]

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997