સૈયર, હું તો...
Saiyar, Hu To...
જિતેન્દ્ર કા. વ્યાસ
Jitendra Ka. Vyas
જિતેન્દ્ર કા. વ્યાસ
Jitendra Ka. Vyas
સૈયર, હું તો પ્હેલે આણે,
જીતી રંગતણા ધીંગાણે!
સૈયર, મુજમાં ગયો તણાઈ,
જે મારો ઘૂંઘટડો તાણે!
સૈયર, ટોચી ટોચી થાક્યો,
સૂડો, ફળને મિષ્ટ વખાણે.
સૈયર, મેં ગૂંથ્યો ઈ સૂડો
મત્ત શ્વાસને તાણેવાણે!
સૈયર, મારાં ઝાંઝર ઝણક્યાં,
મેડીના મધઝરતા ગાણે!
સૈયર, મેડી ઝગમગ ઝગમગ
રૂપતણા ભડકાથી જાણે!
સૈયર, ક્યાંથી પાંખો ફૂટી?
રંગઢોલિયા ઊડ્યા જાણે!
સૈયર, કેફ કસુંબલ કીધા
સોનેરી એ અવસર ટાણે.
સૈયર, પેલો ભમરો ભોળો,
હજુય ફૂલના ડંખો માણે!
સૈયર, મૈયરમાંહ્ય હવે તો
પલ પલ મારી જાય પરાણે.
સ્રોત
- પુસ્તક : બુદ્ધિપ્રકાશ : જુલાઈ, 1976 (પૃષ્ઠ ક્રમાંક 227)
- સંપાદક : યશવંત શુક્લ, મધુસૂદન પારેખ
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ
