lilo rang - Geet | RekhtaGujarati

હાં રે મને મીઠો છે

મેહુલાની વહાલી વનરાઈ તણો લીલુડો રંગ,

હાં રે બીજો મીઠો છે

સૂડલાની પાંખે ભરિયેલ છેલ લીલુડો રંગ.

હાં રે એક મીઠો

ભાભીની કાંચળીનો પાકો સુંવાળો લીલુડો રંગ,

હાં રે બીજો મીઠો

વીરાની અંટિયાળી પાઘડલીનો લીલુડો રંગ.

હાં રે એક મીઠો

મહાસાગરે ભરેલાં પાણી તણોય લીલુડો રંગ,

હાં રે બીજો મીઠો

કણબીને વાડે ઝુલન્તી શેરડીનો લીલુડો રંગ.

હાં રે મને મીઠો

પ્રભુજીની પીંછી કેરો રંગેલ સર્વ લીલુડો રંગ,

હાં રે એક કડવો

કો નાગણીના હૈયાના ઝેર તણો લીલુડો રંગ.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 214)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997