wirDo - Geet | RekhtaGujarati

વેકરામાં કોણે વીરડા ગાળ્યા?

વીરે મારે ગાળ્યા!

વીરડા રૂપાળા કેને કાજ ગાળ્યા?

બેનીને કાજ ગાળ્યા.

પંખીને કાજ ગાળ્યા.

વીરડાનાં પાણી કેણીયે ઉલેચ્યાં?

ભાભીએ ઉલેચ્યાં

કાકીએ ઉલેચ્યાં

મામીએ ઉલેચ્યાં.

વીરડાનાં પાણી કેણે કેણે ડોળ્યાં?

દેડકે ડોળ્યાં

કાગડે ડોળ્યાં

વાંદરે ડોળ્યાં.

વીરડાનાં પાણી કોણ કરે આછાં?

મોર કરે આછાં

મીન કરે આછાં

ચકી કરે આછાં

દેવ કરે આછાં.

વીરડાનાં પાણી આછર્યાં કેવાં?

સંધ્યાના હોજ જેવાં

તારાના તેજ જેવાં

પરીઓની પાંખ જેવાં

ઈશ્વરની આંખ જેવાં.

વીરડાનાં પાણી કોણ કોણ પીશે ?

ગાવડી પીશે

ઢેલડી પીશે

કોયલડી પીશે.

વાદલડી પીશે.

વીરડાનાં પાણી કેમ કરી પીધાં?

છાલિયે પીધાં

ટોયલે પીધાં

ખોબલે પીધાં

મોઢડે પીધાં

વળી વળી પીધાં

લળી લળી પીધાં.

વીરડાનાં પાણી મીઠડાં કેવાં?

માતાના દૂધ જેવાં

વીરાના વહાલ જેવાં

બાપુના બોલ જેવાં

સહિયરના કોલ જેવાં.

વીરડાની પાળે કોણ કોણ બોલે?

મોરલા બોલે

સુડલા બોલે

ભમરલા બોલે.

વીરડાને કાંઠે કોણ કોણ બેઠું?

બેડલું બેઠું

બટુકડું બેઠું

પારેવડું બેઠું

ઇંઢોણલી બેઠી

ગાવલડી બેઠી

ગોવાલણી બેઠી

પોપટજી બેઠાં

મા’દેવજી બેઠાં

પારવતીજી બેઠાં

સીતા ને રામ બેઠાં

રાધા ને શ્યામ બેઠાં,

વીરડાને કાંઠે કોણના વિસામા?

ધોરીના વિસામા

પનિયારીના વિસામા

મહિયારીના વિસામા

ભતવારીના વિસામા

દુઃખિયારીના વિસામા

વહુવારુના વિસામા

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997