ame! - Geet | RekhtaGujarati

અમે પ્રેમિકો હાડપિંજર તણા-

પૂજારી સડેલાં કલેવર તણા.

અમે માનવીને પશુ સમ નચવીએ,

‘પ્રભુ’ શબ્દ બોલીને પંખી પઢવીએ,

પૂરા અંધને સ્વર્ગ-ચાવી અપવીએ,

અમે ગારુડી ધર્મતર્કટ તણા-

મદારી ખરા લોકમર્કટ તણા.

અમે દેવમૂર્તિની માંડી દુકાનો,

કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો,

પ્રભુધામ કેરાં ઊડવીએ વિમાનોઃ

અમે પાવકો પાપગામી તણા-

પ્રવાહો રૂડા પુણ્યગંગા તણા.

અમે ભોગનાં પૂતળાં તોય ત્યાગી,

છયે રાગમાં રક્ત તોયે વિરાગી,

સદા જળકમળવત્ અદોષી અદાગી:

અમે દીવડા દિવ્યજ્યોતિ તણા-

શરણધામ માનવફૂદાંઓ તણા.

અમારી બધી લાલસાઓની તૃપ્તિ

થકી, પામરો, મેળવો સદ્ય મુક્તિ!

‘સમર્પણ' મહીં માનજો સાચી ભક્તિ :

અમે તો ખપર વાસનાઓ તણા-

ભ્રમર અંધશ્રદ્ધાની બાગો તણા.

શ્રીમંતો સ્ત્રીઓ વ્હેમીઓના બનેલા

ઊભા- જો! અમારા અડગ કોટકિલ્લા;

વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લાઃ

અમે શત્રુઓ બુદ્ધિના સત્યના-

અચલ થાંભલા દેશદાસત્વના,

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997