
દુઃખથી જેનું મોઢુ સુકાયેલું, ચહેરે કુંડાળાના પટ
ઝવેરચંદના ઝીણિયા આગળ ગગો લખાવતો ખત
માડી એની અંધ બિચારી, દુઃખે દા’ડા કાઢતી કારી.
લખ્ય કે ઝીણા, માફી પહેલી માગી લઉં છું હું આજ,
જ્યારથી વિખૂટો પડ્યો હું તારાથી ગમે ના કામ કે કાજ,
હવે લાગે જીવવું ખારું, નિત લાગે મોત જ પ્યારું.
ભાણાના ભાણિયાની એક વાત માવડી છે સાવ સાચી,
હોટલમાં જઈ ખાઉં બે આનામાં પલેટ અરધી કાચી,
નવાં જો હું લૂંગડાં પ્હેરું, કરું ક્યાંથી પેટનું પૂરું?
દનિયું મારું પાંચ જ આના, ચાર તો હોટલે જાય,
એક આનાની ચાહ બીડી માડી! બચત તે કેમ થાય?
કરું ક્યાંથી એકઠી મૂડી? કાયા કેમ રાખવી રૂડી?
પાંચ આનાની મૂડીમાંથી હવે સંઘરીશ રોજના બે,
મોકલી આપીશ માસને છેડે હું રકમ બચશે જે,
જેથી કંઈક રાહત થાશે, કદી હાથ લાંબો ન થાશે.
માસે માસે કંઈક મોકલતો જઈશ તહારા પોષણ કાજ,
પેટગુજારો થઈ જશે માડી! કરતી ના કામકાજ,
કાગળ ન ચૂકીશ માસે, લખાવીશ ઝીણિયા પાસે.
લિખિતંગ ત્હારા ગીગલાના માડી! વાંચજે ઝાઝા પ્રણામ,
દેખતી આંખે અંધ થઈ જેણે માડીનું લીધું ના નામ,
દુઃખી તું ના દિલમાં થાજે, ગોવિંદનાં ગીતડાં ગાજે.



(શ્રી ઇન્દુલાલ ગાંધીના ‘આંધળી માને કાગળ’ કાવ્યનો શ્રી મીનુ દેસાઈએ લખેલો જવાબ)
સ્રોત
- પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : પ્રવીણચન્દ્ર દવે
- પ્રકાશક : લલિતા દવે
- વર્ષ : 2007
- આવૃત્તિ : દસમું પુનર્મુદ્રણ