kheDu strinun sandhyagit - Geet | RekhtaGujarati

ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત

kheDu strinun sandhyagit

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત
ઝવેરચંદ મેઘાણી

કે સમી સાંજના તારલિયા!

સો સો બહેનીના વીર-

સાંજલ તારા! ગુણિયલ તારા!

કે તુજ ઊગ્યે પંખીડલાં

લપછપતાં તરુવર-ડાળ-

સાંજલ તારા! ઝગમગ તારા!

કે તુજ ઊગ્યે ધણગાવડી

વળી જાતી વાછરું પાસ-

સાંજલ તારા! ટમ ટમ તારા!

કે તુજ ઊગ્યે ફૂલડાં તજી

મધપૂડે પોઢે માખ-

સાંજલ તારા! રૂમઝૂમ તારા!

કે તુજ ઊગ્યે ઘર આવતા

મજૂરોના લથબથ ઘેર-

સાંજલ તારા! નિર્મળ તારા!

કે તુજ ઊગ્યે પનિયારી

પિયુ-શું માંડે મદભર મીટ-

સાંજલ તારા! ઝલમલ તારા!

કે તુજ ઊગ્યે વનિતા ઢળે

વાલમના ખોળામાંય-

સાંજલ તારા! શ્રમહર તારા!

કે તુજ ઊગ્યે વિખૂટાં સહુને

ફરી મળ્યાની આશ-

સાંજલ તારા! રાજલ તારા!

કે હું એક હતભાગણી!

મારો શો દીઠો તેં દોષ-

સાંજલ તારા! બાંધવ તારા!

કે આઘાં ખેતર ખેડતો

મારો ખેડુ ક્યાં રોકાય?-

સાંજલ તારા! સોનલ તારા!

કે હળજૂત્યા મુજ વાછડા :

ક્યમ હજી ભાળું ખેપ?-

સાંજલ તારા! દેવલ તારા!

કે બાળપણથી જોતર્યા :

મને ડૂકી ગયાની બીક-

સાંજલ તારા! હીરલ તારા!

કે દૂબળડા હાથની

નવ દેખું રમતી રાશ-

સાંજલ તારા! તેજલ તારા!

કે થાકીપાકી જીભના

નવ ડચકારા સંભળાય-

સાંજલ તારા! સુખિયા તારા!

કે ભૂખ્યા પગની ડાંફ ભરતો

નવ ભાળું ભરથાર-

સાંજલ તારા! બાંધવ તારા!

કે વરસ બધું રળવું છતાં

નવ અધઘડીના વિશ્રામ-

સાંજલ તારા! ટમટમ તારા!

કે વ્રતઉત્સવ જગ ઊજવે,

મારે ગળે આવે ગીત-

સાંજલ તારા! ગુણિયલ તારા!

કે ચંદન-છાંટી રાતડી :

મારા હૈયામાં હુલાસ-

સાંજલ તારા! રૂમઝૂમ તારા!

કે આવડી વસમી શેં હશે

કાઠીડાની ખેડ્ય-

સાંજલ તારા! ઝળહળ તારા!

કે દુશમન પણ નવ ખેડજો

દરબારીડો દેશ—

સાંજલ તારા! દેવલ તારા!

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997