Karelu... Karelu... - Geet | RekhtaGujarati

કારેલું... કારેલું...

Karelu... Karelu...

વિનોદ જોશી વિનોદ જોશી
કારેલું... કારેલું...
વિનોદ જોશી

કારેલું... કારેલું... મોતીડે વઘારેલું

સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...

આંજું રે હું આંજું ટચલી આંગળિયે દખ આંજું

નખમાં ઝીણાં ઝાકળ લઈને હથેળિયુંને માંજું

વારેલું વારેલું... હૈયું છેવટ હારેલું

કારેલું કારેલું... મોતીડે વઘારેલું

સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયા

અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયા

સારેલું સારેલું...આંસુ મેં શણગારેલું

કારેલું કારેલું... મોતીડે વઘારેલું

સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...

આંધણ ઓરું અવળાસવળા બળતણમાં ઝળઝળિયાં

અડખેપડખે ભીના ભડકા અધવચ કોરા તળિયાં

ભારેલું ભારેલું... ભીતરમાં ભંડારેલું

કારેલું કારેલું... મોતીડે વઘારેલું

સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું...

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ