aankhomaan bethelaa chaatak kahe chhe - Geet | RekhtaGujarati

આંખોમાં બેઠેલા ચાતક કહે છે

aankhomaan bethelaa chaatak kahe chhe

તુષાર શુક્લ તુષાર શુક્લ
આંખોમાં બેઠેલા ચાતક કહે છે
તુષાર શુક્લ

આંખોમાં બેઠેલા ચાતક કહે છે :

મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે.

ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું

કોઈ કારણ પૂછે તો કહું : ખાસ છે!

કોરી કુંવારી હાથની હથેળીમાં

માટીની ગંધ રહી જાગી

તરસ્યા હોવાના કોરા આકાશમાં

આષાઢી સ્હાંજ એક માગી

વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે

ભીંજાવું તો આભાસ છે

કોરપની વેદના કેમે સહેવાય નહિ

રૂંવે રૂંવેથી મને વાગે

પહેલા વરસાદ તણું મધ મીઠું સોણલું

રહી રહીને મારામાં જાગે

નસ નસ ફાટીને વહેવા ચાહે છે

તે કેવો આષાઢી ઉલાસ છે!

સ્રોત

  • પુસ્તક : તારી હથેલીને (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : તુષાર શુક્લ
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2008