વરસાદ પછી
varsaad pachhii
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
યથા રાધિકા
જમના-જલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતા
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ-કનૈયો?



સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : ચંદ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005