ત્રણ વિરહકાવ્યો
Tran Virah Kavyo
જયન્ત પાઠક
Jayant Pathak
જયન્ત પાઠક
Jayant Pathak
(૧.) ગઈ રાતે
ગઈ રાતે
તારાઓના પ્રકાશમાં
સામેના વૃક્ષની ડાળીને
એકાએક વીંઝાતી જોઈ
આમતેમ
ઉપરતળે
– ને તમે સાંભરી આવ્યા –
પછી તો
ડાળી પવનની છાતી પર શાન્ત
ને હું
આમતેમ
ઉપરતળે
આખી રાત વીંઝાતી...
(૨.) પરોઢિયે
પરોઢિયે
આછા અંધકારમાં
તમે સામે ઊભા રહીને કહ્યું :
‘મારે જવું જોઈએ...
હમણાં સૂરજ ઊગશે...’
તમે તો ગયા; પણ...
સૂરજ પછી ઊગ્યો જ નહીં!
(૩.) નસીબ જ
મેં જોયું છે કે
તમે હમેશાં ભૂલા પડો છો :
કેટલીય વાર
છેક ઘર પાસે આવીને
પાછા વળી ગયા છો!
રસ્તો તો સાવ સીધો છે
– નસીબ જ વાંકું...
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
