પૉ’ ફાટતાં
Po Fatataa
બર્ટ મેયર્સ
Bert Meyers
બર્ટ મેયર્સ
Bert Meyers
પંખીઓ ટપકે છે વૃક્ષો પરથી.
ત્યાં આગળ પેલી ટેકરી પર
ચંદ્ર નાની બકરી છે.
પરોઢ, એના દૂધ જેવું ભૂરું
ભરી દે છે આકાશનું તાંસળું.
હવા એવી તો ઠંડી છે કે પેટ્રોલપંપ
ચળકે છે બરફનાં ચોસલાંમાં.
પાણી વહેતું હોય એવા પાઈપની જેમ
સૂમસામ રસ્તો ઘરઘરે છે.
શેરીની બત્તીઓ ખંખેરી નાખે છે તેમનાં હિમ.
સૂર્ય નીચે ઊતરે છે છાપરેથી;
થોભે છે ઘર પાસે અને ઘસે છે
એની લાંબી કાંડી ભીંત ઉપર,
બહાર કાઢે છે પિત્તળની ચાવીનો ઝૂડો
અને ખોલે છે દરેક કમાડ.
(અનુ. મૂકેશ વૈદ્ય)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
