Jijivisha - Free-verse | RekhtaGujarati

જિજીવિષા

Jijivisha

સુરેશ દલાલ સુરેશ દલાલ
જિજીવિષા
સુરેશ દલાલ

મરણ!

તું માને છે એટલી સહેલાઈથી હું નહીં ઝડપાઉં!

આપણે એકમેકને મિત્ર બનાવીએ પહેલાં

છાનું–ઉઘાડું વેર લેતા દુશ્મનોને

હજી મારે મિત્રો બનાવવાના છે.

ચિત્તને ઠેઠ તળિયે ડૂબેલા સૂરજ અને ચંદ્રના

અંધારાં કિરણોમાંથી

ચિત્રો બનાવવાનાં છે :

હજી મારે કાવ્યો લખવાનાં છે.

જીવવા માટે હજી તો કેટલાંયે કારણ છે

કેટલાંયે બહાનાં છે.

દીકરી સાસરે વિદાય થતી હોય

ત્યારે હૃદયમાં શું થાય છે–એ સ્પંદનોને

શરણાઈના સૂરની આંખે

હજી અમારે જોવાનાં છે.

અકાળે મૃત્યુ પામેલા મિત્રનો

કાળના ફલક પર ચહેરો કેવો ઊપસે છે

જોવા માટે પણ આંખે વલખાં મારવાનાં છે.

પત્નીના સફેદ વાળની વચ્ચે

લાલ કંકુનો રંગ કેવો લાગે છે

માણવાનું હજી બાકી છે.

હજી મારે કેટલાયે કવિઓનાં કાવ્યો વાંચવાનાં છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ડિસેમ્બર 1980 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ