શ્રદ્ધા ત્રિવેદી
Shraddha Trivedi
નાનું એક ગામ. ગામમાં થોડાંક ઘર. આમ તો ગામલોકો શાંતિથી રહેતા. પણ કોઈને ઘેર પ્રસંગ હોય ત્યારે બધાંને બહુ ચિતાં રહેતી. બેત્રણ વાર એવું થયેલું કે જ્યારે પ્રસંગ હોય ત્યારે ગમે ત્યાંથી ધાડપાડુઓ આવે ને માલમત્તા લૂંટીને જતા રહે.
હવે એક વાર ગામના પટેલની દીકરીનાં લગ્ન નક્કી થયાં. ગામના મુખ્ય પટેલને ત્યાં પ્રસંગ એટલે આખા ગામમાં એનો આનંદ. પણ ધાડપાડુ આવશે તો? એવો વિચાર આવે કે બધાં બીએ. એટલે પટેલના જીવને ચેન ન પડે.
ગામમાં એક ઝમકુ ડોશી રહે. તેમને ખબર પડી કે પટેલનો જીવ ઊંચો છે. એટલે એ તો લાકડીને ટેકે ટેકે પહોંચ્યાં પટેલને ઘેર.
પટેલ બોલ્યા : ‘આવો આવો ઝમકુમા. આ દીકરીનાં લગ્ન તો લીધાં છે પણ મને બહુ ચિંતા રહે છે. ઝમકુમા કહે : ‘આ એટલે તો આવી છું. તમારી પાસે પાણી ભરવાની કોઠીઓ કે પીપડાં કેટલાં?’ પટેલ કહે : ‘ચાર!’ ઝમકુમા કહે: ‘તો હવે એમ કરો, બીજાં આઠ-દસ ભેગા કર. ને લગ્નની આગલી રાતે પાણી ભરી, અહીં ખડકીમાં મુકાવી રાખજે. ૧૦૦ ગધેડા ચીકણી માટી મંગાવજો. અહીં ખડકીમાં જ ઢગલી કરાવજો. પછીનું હું જોઈ લઈશ. પણ જો, આટલું રાખજે જ. આટલી તૈયારી ના કરી તો તું જાણે ને તારું નસીબ.’ ને આમ કહી ઝમકુમા તો ગયાં ને બીજે દહાડે ડોશીના કહ્યા પ્રમાણે એમણે તો ૧૦૦ છાલકાં માટી મંગાવી રાખી ને ૮-૧૦ પીપડાં મંગાવ્યાં.
લગ્નની આગલી સાંજે ઝમકુમા આવ્યાં પટેલને ઘેર. બધું જોઈ રાજી થયાં. પછી પટેલને કહે, ‘હવે એક કામ કરો. ઘરની પછીતે જ્યાં બારી છે તેની નીચે થોડી માટી નાંખી રાખો.’ પટેલે તેમ કર્યું. રાત પડવા આવી. ઝમકુ ડોશી ભગવાનનું નામ લેતાં ખડકીમાં ખાટલો નાંખી આડાં પડેલાં. એય જાગતા જ હતાં.
બરાબર મધરાત થઈ. આખું ગામ જંપી ગયેલું. ને ત્યાં તો દૂરથી થોડા હાકોટા સંભળાયા. ઝમકુમા ખાટલામાં બેઠાં થઈ ગયાં. અવાજ ધીમે ધીમે નજીક આવતો હતો. ઝમકુમાએ બધાંને બૂમો મારી, ‘એ જાગજો બધાં. એ બધાં અહીં આવો ખડકીમાં.’ ને ઘડીકમાં આખું ઘર જાગી ગયું. ઝમકુમા કહે : ‘આપણા ખરેખરા મહેમાનો આવી રહ્યા છે. એમનું સ્વાગત બરોબર કરજો હો. જુઓ, આ માટી પાથરી દો દરવાજા પાસે ને આ આજુબાજુની ભીંતો પાસે નાંખો થોડી થોડી. ને રેડવા માંડો પાણી’ – હજી ઝમકુમા બોલવાનું પૂરું કરે તો પહેલાં તો ચાર-પાંચ જણ બુકાની બાંધીને હાથમાં ડંગોરા લઈને ઊતર્યા ઘોડા પરથી. ઘોડા પરથી ઊતરી તેમના સરદારે ખડકીના બારણા પાસેથી પોતાના માણસોને કહ્યું : ‘ચાલો, લૂંટો અંદર જઈને.’ આ દરમિયાન મહેમાનોએ જેના હાથમાં જે આવ્યું તેનાથી પાણી નાંખવા માંડ્યું.
લૂંટારુઓને કંઈ સમજ ન પડી. તેઓ તો પાણી છંટાતું હતું તોય અંદર જવા ગયા. પણ આ શું? પહેલો માણસ દોડતો દોડતો અંદર જવા ગયો કે એ... લપસ્યો. પાછળ બીજો દોડ્યો તો એ... લપસ્યો. એમ વારાફરતી બધાય લપસે. ઊભા થાય, પાછા લપસે. માંડ માંડ ઊભા થાય કે પાછા લપસે. અરે! તેમનાથી સરખા ઊભાય ના રહેવાય ને લપસે ને એટલામાં તો ગામના લોકો પણ લાકડીઓ કે જેને જે મળ્યું તે લઈને આવી પહોંચ્યા. લૂંટારુઓથી તો ના આગળ જવાય કે ના પાછળ. માટીમાં જ રગદોળાયા કરે બિચારા. બહાર આખું ગામ આવી ગયું. લૂંટારુઓ હતા ચાર-પાંચ ને તેય પાછા કાદવવાળા. લૂંટારુઓનું ગજું કેટલું? એમાંથી એક જણે વિચાર કર્યો કે નથી અંદર જવાતું કે નથી બહાર જવાતું. તો લાવ ને બાજુમાંથી જતો રહું. પણ એ ત્યાં ગયો તો ત્યાંય એનું . બધાય લપસે. કોઈના પગ સ્થિર ન રહે. ને પછી તો રંગરૂપ જોવા જેવાં થયાં. આ બધી હો... હોથી છોકરાંઓય જાગી ગયેલાં. તે આવ્યાં બધાં બારીએ. આ લૂંટારુઓને આવા કાદવવાળા અને વારેવારે લપસતા જોઈ બારીએ ઊભા ઊભા તાલીઓ પાડવા લાગ્યા : ‘એ જો જો, પેલા કેવા નાચે છે?’ એટલે બીજો છોકરો બોલ્યો : ‘અરે, એ તો કાદવથી ધુળટી ધુળેટી રમે છે.’ એવું સાંભળી બધાંય હસવા માંડ્યા.
વખત વિપરીત જોઈ સરદારે પડતાં પડતાં કહેવા માંડ્યું, ‘અરે પટેલ, પાણી ઢોળવાનું બંધ કરો. અમને છોડાવો આમાંથી એટલે અમે પાછા જઈએ.’ ઝમકુમા પટેલને કહે, ‘પટેલ, જો આ આપણને હેરાન ના કરવાના હોય તો આપણે છોડાવવા જોઈએ.’ તેમણે કહ્યું એટલે બધાંએ પાણી ઢોળવાનું બંધ કર્યું. થોડી વારે ડોશીએ એક દોરડું મંગાવ્યું. પટેલને કહે, ટલો, આ છેડો પકડો બેચાર જણ. ને બીજો છેડો ફેંકો તેમના ભણી. તે દોરડું પકડી એ નીકળે.’ પટેલે એમના ભણી દોરડું ફેંક્યું, તે સરદારે ઝીલી લીધું. ધીમે ધીમે તે પકડી પકડી બધાય બહાર આવ્યા. પછી તો પટલાણીએ ચા-પાણી કર્યાં. બધાંને આનંદ આનંદ થઈ ગયો.
થોડી વાર પછી પેલા લૂંટારુઓ પણ ઊભા થયા. સરદાર કહે : ‘પટેલ, સારો પાઠ ભણ્યા. આ ગામ હવે અમારું ગામ. કોઈ ચિંતા ના કરતા.’ પટેલ કહે : ‘તે એ આ ઝમકુમાને કહો. આ બધો એમનો પ્રતાપ છે.’ લૂંટારુઓ ગયા. પટેલ કહે : ‘બોલો છોકરાઓ ઝમકુમાની જે!’
છોકરાઓ મોટેથી બોલ્યા : ‘ઝમકુમાની જે!’
સ્રોત
- પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022
