
એવી જુગત જાણે તે મહાજોગી રે, સિદ્ધ સિદ્ધાંતના ભોગી રે.
બેઠો ચોરાશી આસન સંકેલી રે, રહ્યાં ધ્યાન ધારણા સર્વ મેલી રે.
બેઠો ઉન્મુનિ આસન વાળી રે, લાગી સહજ સમાધિની તાળી રે.
ફૂટ્યું ખપર પાત્ર, ફાટી ઝોળી રે, નાખી દ્યોત ઉપાધિ મેલી રે.
ચોથી તુર્યાવસ્થા મેલી વહેતી રે, જેમ ટોટીઆ સંભાળે સૂકી ખેતી રે.
જોગી શૂન્ય શિખર ચઢી બેઠો રે, ત્યાં સહજ સાયર એક દીઠો રે.
જોગી મેરે અનુભવ અજવાળે રે, જેમ ભોરિંગ મણિને ભાળે રે.
જોગી સુખે પોતે ઘેર સૂએ રે, સૂઈ જીવતો મરીને જુએ રે.
પાણીનો પરપોટો જેમ વામ્યો રે, જોગી ખેલે અવસ્થાને પામ્યો રે.
જોગી પામ્યો પોતાનું ઠેકાણું રે, ભાસતું અસત્ય સર્વે લોપાણું રે.
કારણ તેનું કહે સુણ ભાઈ રે, જ્યાં સકળ ઉપાધિ સમાઈ રે.
કહે કોણ રહ્યું ને શું ગયું રે, કોણ રહ્યું ને શું આ થયું રે.
કહે કોણ દેહી ને વિદેહી રે, કોણ કીધા કેદિ કેહી રે.
બીજું ન મળે બોલ્યા ગ્રહવા રે, નવ ઊગ્યું અળગું કાંઈ કહેવા રે.
દાસ ‘ગોપાળ’ ક્યાં લગી વખાણું રે, એવા જોગી પરબ્રહ્મ જાણું રે.


