prashna 2 - Bhajan | RekhtaGujarati

પ્રશ્ન ૨

prashna 2

જૂઠીબાઈ જૂઠીબાઈ
પ્રશ્ન ૨
જૂઠીબાઈ

હદ બેહદ કેને કહીએ રે, તે તો મુંને બતાવી દીઓ,

તેની રમત લાવો રે, શિખામણ તમે મને દીઓ.

કેટલા પવન દેહમાં કહીએ, અને કોણ પવન મુખ્ય કહેવાય,

ખબર કરી ખોજ કરી લિયો, કોણ પવન રમે નાભિ માંહી.

સમાધિ સાધે યોગી રે કીએ, પવને સુરતા ચડે,

કેટલી નદિયું ને કેટલા સમુદ્ર કહીએ, કેટલી છે રોમરાય.

કેટલી ખડકી કેટલી ચોકી, કેટલા છે ઉમરાવ,

નખશિખ લગી જોઈને રે, ખરેખરી તમે ખબર દિયો રે.

ક્યાં નવરંગી નોબત વાગે, ક્યાં છે ઝાલરીનો ઝણકાર,

ક્યાં દસ પ્રકારનાં વાજાં વાગે, કોણ છે સરદાર.

ગાદી તેની ક્યાં છે, ગુરુગમ હોઈ તો મને કહો,

પૂછું એટલું કહી બતાવો રે, વિશ્વંભરનો વિસ્તાર.

ખરેખરી મુંને કૂંચી બતાવો, તમે પહોંચાડો પાર,

'જૂઠીબાઈ' કહે છે રે, અનુભવી આપ છો રે.

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર